About Vapi

વાપી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકાનું એક મહત્વનું, ઔદ્યૌગિકક્ષેત્રે જાણીતું, તેમ જ મુંબઇથી દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું નગર છે. આ ઉપરાંત વાપી શહેર અમદાવાદથી મુંબઇ જતા રેલ્વે માર્ગ પરનું વિરાર અને વલસાડ વચ્ચેનું મહત્વનું સ્ટેશન છે. વાપી શહેર ખાતે આવેલી જી.આઇ.ડી.સી. ખુબ જ મોટી ઔદ્યૌગિક વસાહત છે. દમણગંગા નદીના કિનારે આવેલું આ શહેર તેના રસાયણિક ઉદ્યોગો માટે જાણીતું છે. વાપી નગરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મહાવિદ્યાલય જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણમાં રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. આ ઉપરાંત વાપી અને શામળાજીને જોડતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ આ શહેરને રાજ્યની પૂર્વ સરહદે આવેલાં અન્ય સ્થળો સાથે જોડે છે. વાપી નગરપાલિકાની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ વસ્તી ૧૬૩૬૩૦ છે. વાપી નગરપાલિકામાં ચલા તથા ડુંગરાના સમાવેશ બાદ વિસ્તાર ૨૨.૪૪ ચો.કિ.મી. છે.